📚 વાંચન વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની આધારશીલા છે.
માનવ જીવનમાં વાંચનનું વિશેષ મહત્વ છે કારણ કે વાંચન દ્વારા વ્યક્તિ અને સમાજનું પોત ઉપસે છે. કોઈપણ દેશની પ્રગતિના મૂળમાં તે દેશની વૈચારિક સંપત્તિનો પાયાનો હિસ્સો રહેલો હોય છે. વિચારોની વિપુલતા અને વિચારોનું વૈવિધ્ય દેશના વર્તમાન અને ભાવિને ઘડતું હોય છે.
ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકાર મણિલાલ દ્વિવેદીએ લખ્યું છે કે - "આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે". માણસ કોની સાથે રહે છે અને શું વાંચે છે તે જાણવાથી તેના ચરિત્રનો ખ્યાલ આવી શકે છે. આમ, વાંચન એ આપણા આંતરિક જીવનનો માપદંડ છે.
વિદ્યાર્થીઓ માટે વાંચન ખૂબ જ જરૂરી છે. નિયમિત વાંચન કરનાર વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ સફળ બને છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીનું વ્યક્તિત્વ ઉછરતું જતું વ્યક્તિત્વ છે. વિદ્યાર્થીઓમાં વિવિધ શક્તિઓ પડેલી હોય છે, તેને બહાર લાવવાનું કામ સદ્-વાંચન કરે છે. વાંચનથી વિદ્યાર્થીમાં અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થાય છે. વાંચન માણસને આનંદ આપે છે, જ્ઞાન આપે છે, તેની દ્રષ્ટિને વિકસાવે છે અને તેનામાં સંસ્કારોનું સિંચન કરે છે.
આજનો યુગ એ વિચારોનું યુગ છે, જ્ઞાનનો યુગ છે. સારા વિચારો અને જ્ઞાન મેળવવાનો મોટો સ્ત્રોત સદ્દ્-વાંચન છે. 'ખાલી મગજ શૈતાનનું ઘર હોય છે'. તેની કશી કિંમત હોતી નથી. પરંતુ જ્યારે તેમાં વિચાર અને જ્ઞાન ભરવામાં આવે છે ત્યારે તેની કિંમત વધી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે મીઠાઈના ખાલી બોક્સની કિંમત રૂપિયા બે થી વધારે હોતી નથી, પણ જ્યારે તેમાં કાજુકતરી ભરવામાં આવે છે, ત્યારે એ બોક્સ 200 રૂપિયાના ભાવે તોલાય છે અને ક્યારેક લોખંડના ભંગારમાં હીરો જઈ પડ્યો હોય, તો તેને મીઠાના ભારોભાર આપવો પડે છે.
વાંચન માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ તે આપણા વ્યક્તિત્વના વિકાસનો મજબૂત આધાર છે. સદ્-વાંચન આપણા સંસ્કારોને ઉછેરે છે, આપણા મન અને આત્માને શુદ્ધ અને સાત્વિક બનાવે છે, આપણી સમસ્યાઓના ઉકેલમાં સહાયભૂત થાય છે. સમસ્યાઓથી ઘેરાયેલો આજનો માનવી આત્મહત્યાનો ટૂંકો રસ્તો પસંદ કરે છે. તેને બદલે જો તે ઉત્તમ પુસ્તકો કે સામયિકો વાંચે તો તેને સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો ઉત્તમ માર્ગ અવશ્ય મળી રહે છે. આમ, સારા પુસ્તકો માણસને સારા વિચારો, સારા સંસ્કારો અને જીવન જીવવાની સાચી પ્રેરણા આપે છે.
જીવનમાં પૈસા કરતાં પ્રેમનું મહત્વ વિશેષ હોય છે અને પ્રેમ કરતાં જ્ઞાનનું. એ જ્ઞાનનો સંચય પુસ્તકમાં હોય છે. આથી જ પુસ્તકને સુખની જડીબુટ્ટી કહેવામાં આવે છે. ઉત્તમ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે. તેથી જ કહેવાયું છે કે - "Books are my never failing friends". માનવ મિત્રોથી તો આપણે ગમે તે પળે વિખૂટા પડી શકીએ, પરંતુ પુસ્તકરૂપી મિત્રો તો જીવનના તડકા અને છાયડામાં આપણી સાથે જ રહે છે. મૃત્યુ જેવા દુઃખદ પ્રસંગને પણ પુસ્તક હળવો બનાવી શકે છે. પુસ્તકો વાંચીને માણસોની જિંદગીની દિશાઓ બદલાઈ ગઈ હોય એવા સેંકડો દાખલાઓ છે. રસકિનના 'Unto the last' નામના પુસ્તકે ગાંધીજીના જીવનમાં રચનાત્મક ફેરફાર આણ્યો હતો. એ જ રીતે અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ અને એમના જેવા અન્ય મહાનુભાવોના જીવનમાં વાંચન ટેવે ઊંડી અને વિધાયક અસરો જન્માવી હતી.
પ્રશ્ન એ થાય છે કે - આપણે કેવા પુસ્તકો કે સામયિકો વાંચવા જોઈએ? આપણે એવું સાહિત્ય વાંચવું જોઈએ કે જેમાંથી આપણને કંઈક સારું જ્ઞાન મળી શકે, આપણી બુદ્ધિ સદ્ વિચાર તરફ વળી શકે અને આપણું જીવન ઘડતર યોગ્ય રીતે થઈ શકે.
આ સુંદર અને શોભાયમાન સૃષ્ટિમાં સર્વત્ર પ્રેમમય વાતાવરણ બનાવવામાં સદ્ વાંચનનો ફાળો મહત્વનો છે. આપણી સંસ્કૃતિની સાચવણી અને તેના વિકાસમાં સાહિત્યનું સર્વશ્રેષ્ઠ યોગદાન રહ્યું છે. આ દેશ તથા દુનિયામાં મહાન સફળતાઓને વરેલા તથા નવીન સુ-પ્રેરણાઓ આપી ગયેલા મહાત્માઓના જીવન ચરિત્રો આપણા સાહિત્યમાં સચવાયેલા છે. જેનું વાંચન અને મનન કરવાથી આપણને ઘણી જ સુ-પ્રેરણાઓ મળી શકે છે.
સુ-વાંચન થકી સમસ્ત યુવા જગત પૂર્ણ સંસ્કારી અને સાંગોપાંગ સુંદર બની શકે છે. સુ-વાંચનના સાનિધ્ય થકી સહનશીલતા, નીડરતા, વિવેક, હિંમત, અહિંસા, દયા, સમભાવ જેવા સદ્-ગુણો વિકસે છે. જે માનવીના વ્યક્તિત્વના વિકાસની આધારશીલા છે.
સમય ઘણો જ મૂલ્યવાન છે. તેથી અભ્યાસ તથા રોજિંદી પ્રવૃત્તિ માંથી થોડો સમય ઇતર વાંચનને પણ અવશ્ય ફાળવવું જોઈએ. મુસાફરી અથવા નવરાશના કોઈપણ સમયે યુવા મિત્રોએ હાથમાં એકાદ સારું પુસ્તક રાખવું જ જોઈએ. અવનવા શુભ પ્રસંગોએ દરેક યુવા મિત્રોએ એકબીજાને કોઈ સુંદર પુસ્તક ભેટ આપવો જોઈએ. તમારા મિત્રને "હેપ્પી બર્થ ડે" કરી એકાદ સારું પુસ્તક ભેટમાં આપી નવો ચીલો પાડો, મજા આવશે. નવું નવું કંઈક શીખવા મળશે. સુ-વાંચન હંમેશા સુ-પ્રેરણા જ આપે છે.
આજની યુવા પેઢી આવતીકાલની ચમકતી ચાંદની છે. એ ચાંદનીંને ખીલાવવા માટે સારું વાંચવાની કૌશલ્ય કલા વિકસાવવી જોઈએ. વિચારો પારદર્શક અને શુદ્ધ હશે તો આપણી આવતીકાલ પણ શુદ્ધ જ હશે. સારા વિચારોને વિશિષ્ટ મહત્વ આપવાથી આપણા મનમાં આંશિક પરિવર્તન અવશ્ય આવે છે. આમ, કહી શકાય કે - વાંચન વ્યક્તિત્વના સર્વાંગી વિકાસની આધારશીલા છે.
વાંચન માનવીને ઘડે છે. તે જીવનમાં વિવિધ સારી નરસી દુરાગામી અસરો ઊભી કરે છે. હલકી કક્ષાનું વાંચન માણસને ગુનેગાર અને સમાજ વિરોધી બનાવે છે. એથી ઊલટું ઉચ્ચ કક્ષાનું વાંચન તેને ઉચ્ચતમ્ બનાવે છે.
આપણે પોતે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. દરેકને પોતાના અરમાનો હોય છે. તેને સાર્થક કરવા માટે સારા વિચારો અને સારું વાંચન જેવું અમોધ શસ્ત્ર બીજું કોઈ નથી.
એક સંતે કહ્યું છે કે - "જે સતત સારું વાંચે છે, વિચારે છે એ યુવાન આફુસ કેરીની કલમ જેવો હોય છે. જે આજે નહીં તો આવતી કાલે મીઠાં ફળ આપવાની પૂરી શક્યતા ધરાવે છે."
અંતમાં, જે સારું વાંચે છે અને એ દ્વારા જેનો સર્વાંગી વિકાસ થયેલો છે. તે ગર્વથી કહી શકે છે કે -
ઔર પસ્તી સે ભી ગુજરા હું,
મગર જીસ રાહ સે ગુજરા હું,
બડી મસ્તી સે ગુજરા હું'.
છેલ્લે, આજના મોબાઇલ અને ઈન્ટરનેટના યુગમાં લોકો પુસ્તકો વાંચવાનું ઓછું કરતા જાય છે. પરંતુ જીવનમાં સફળતા મેળવવી હોય તો વાંચનની ટેવ વિકસાવવી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ રોજ થોડો સમય વાંચન માટે ફાળવવો જોઈએ.
વાંચનનું મહત્વ બતાવતા 10 કોટેશન


0 Comments