" સમય એ જ સાચું સોનું છે."
ગુજરાતીમાં એક ખુબ જ સરસ પંક્તિ છે -
"સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ."
કવિ કહે છે કે, ચાલી ગયેલી લક્ષ્મી ફરી પાછી આવી શકે છે, દરિયામાં દૂર દૂર સુધી ગયેલા વહાણો ફરી પાછા ફરી શકે છે. પરંતુ વીતી ગયેલો સમય અને નીકળી ગયેલાં પ્રાણ કદી પાછા ફરતા નથી. આથી જ માણસે પોતાના જીવનમાં પ્રગતિ સાધવી હોય તો તેણે સમયને પારખીને તેની સાથે ચાલતાં શીખવું જોઈએ.
રેતીની જેમ સરકી જતો સમય તેની પળે-પળ અને ક્ષણે-ક્ષણ સાચવી લેવાં જેવાં છે. કારણ કે સમય એ જ સાચું સોનું છે. સોનાનું જેટલી કાળજી અને સંભાળપૂર્વક આપણે જતન કરીએ છીએ એટલી જ સજાગતાથી સમયનો પણ સદુપયોગ કરવો જોઈએ. કારણ કે ગયેલો સમય પાછો આવતો નથી. એવી જ રીતે ગયેલી તક ફરી-ફરી, વારંવાર આવતી નથી. હૃદય-દ્વાર પર તકના ટકોરા વારંવાર થતાં નથી.
વાસ્તવમાં, સમય અને ભરતી કોઈના રોક્યા રોકાતા નથી. આથી જ કહેવાયું છે કે - "Time and tide wait for none." કિમતી સમય વેડફી નાખ્યા પછી પસ્તાવાનો કોઈ જ પાર રહેતો નથી. માટે જ કહેવાયું છે ને - "जब चिड़ियाँ चुग गईं खेत, फिर पछताये क्या होवत है?" કાળ પંખી સમયરૂપી ચારો ચરી લે ત્યાર પછી જીવનરૂપી ખેતર વેરાન અને ઉજ્જળ બની જાય છે. જીવનમાંથી ઉમંગ ઊડી જાય છે, જીવન નીરસ બની જાય છે.
સમય હાથમાંથી સરકી ગયા પછી - "રેતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ધડાસે કેમ?" જેવી વિમાસણ થાય છે, મુંઝવણ થાય છે. પરંતુ 'Time is money' એમ સમજનાર સયયનો ઉચિત ઉપયોગ કરી પોતાને મળેલા સમયને સાર્થક કરે છે.
પણછ ઉપરથી છૂટેલું તીર અને બંદૂકમાંથી નીકળેલી ગોળી પાછા ફરતા નથી, તેમ શરીરમાંથી નીકળી ગયેલા પ્રાણ કોઈ કાળે પાછા ફરતા નથી. માટે જ કવિ આપણને કહે છે કે - 'ક્ષણ અને જીવનને વાવરી જાણો'.
આમ, સમય કીમતી છે અને માનવ જીવનની સફળતાનો આધાર તે તેને મળેલા સમયનો સદ્ઉપયોગ શી રીતે કરે છે તેના ઉપર નિર્ભર છે. જેટલો સમય મૂલ્યવાન છે તેટલો જ આ જીવન પણ મૂલ્યવાન છે. ટૂંકા જીવનકાળમાં માણસે એ રીતે જીવી જવું જોઈએ કે એનું જીવ્યું સાર્થક થઈ જાય.
'ઘડપણમાં ગોવિંદ ગુણ ગાશું' એવી વૃત્તિને ખંખેરી સેવા, પરોપકાર, નીતિ, ધર્મ, સદાચાર અને ત્યાગની ભાવના કેળવી મનુષ્ય એ મળેલા જીવનને સફળતથી જીવી જાણવું જોઈએ.
જીવન જ્યારે અનિશ્ચિત છે અને મૃત્યુનો ઓછાયો માથે ઝળૂંબે છે ત્યારે માણસ જો સમયને સાચવી લેશે તો સમય તેને સાચવી લેશે. આપણે સૌએ પણ અભ્યાસકાળ દરમિયાન અને જીવન ભર ક્ષણે-ક્ષણનો અને પળે-પળનો સદુપયોગ કરવો જોઈએ. 'મળ્યું સમયનું સોનું' ગણી સમયનું મૂલ્ય સમજવું જોઈએ. હિન્દી સાહિત્યના મહાન કવિ કબીરે પણ સરસ કહ્યું છે કે -
"कल करे सो आज कर, आज करे सो अब।
पल में प्रलय होयगी, बहुरी करोगे कब"।
0 Comments